તમે ત્રણ વાતો રાખજો યાદ
જીવનમાં લાવવા મીઠો સ્વાદ ! …તમે
પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ,
સૂતાં ઊઠતાં જમતાં ખાસ
જીવનમાં ગણજો પ્રભુનો પ્રસાદ ! …તમે
પ્રભાતે ઊઠતાંની સંગાથ
નીરખજો નિજનો જમણો હાથ
સૂણજો ઋષિ - મુનિઓનો સાદ ! …તમે
કરનાં મૂળમાં શારદા માત
આંગળે લક્ષ્મી છે સાક્ષાત્
હથેળીએ હરિ સદા હૈયાત ! …તમે
કાંડે બુદ્ધિ જ્ઞાન ઉપદેશ
આંગળા કર્મ તણો સંદેશ
હથેળીમાં ભક્તિનો છે નાદ ! …તમે
ભોજન માનજો પ્રભુનો પ્રસાદ
આવશે તેથી મીઠો સ્વાદ
જમતાં કરજો કનૈયાને યાદ ! …તમે
સૂતાં પહેલાં સ્મરજો રામ
ઇશના ખોળે ખરો આરામ
તન મન ધરજો પ્રભુને પાદ ! …તમે