વનમાં તેં મેલી મુંને એકલી રે વણઝારા !
જી હો ! મુંને મેલી મત જાજે બાળા વેશમાં
સોદાગર હંસાજી.
કાગળ જેસી કોથળી રે વણઝારા !
જી હો ! એને ગળતાં નૈ લાગે વાર રે
સોદાગર હંસાજી.
ડુંગર માથે દેરડી રે વણઝારા !
જી હો ! હું તો ચડી જાઉં તારી વાટ રે
સોદાગર હંસાજી.
ફાલી ફૂલી રે ઓલી પીપળી રે વણઝારા !
જી હો ! ઓલી ફળ વિના ઝૂલે નાગરવેલ રે
સોદાગર હંસાજી.
આંબો જાણીને મેં તો સેવિયો રે વણઝારા !
જી હો ! એ તો કરમે ઊગ્યો છે ભંસૂર રે
સોદાગર હંસાજી.
હીરા માણેકની કોટડી રે વણઝારા !
જી હો ! મને વેપારી મળ્યા સવા લાખના
સોદાગર હંસાજી.
કાજી મહમદશાની વિનતિ રે વણઝારા !
જી હો ! તમે માની લિયો ગરીબનવાજ રે
સોદાગર હંસાજી.