શ્યામળા સુકાની થઇને સંભાળ
નૈયા ભર દરિયે ડોલતી
સાચો કિનારો કંઇ તો બતાવ
તું છે જીવનનો સારથી
જીવન નૈયા ભવસાગરમાં ડોલતી (૨)
આફતની આગમાં અંધારે ઝુલતી (૨)
વાગે માયાના મોજા અપાર
હાંકુ તારા આધારની…શામળા૦
વૈભવના વાયરા દિશા ભૂલાવતા (૨)
આશાના આભમાં મનને ઝુલાવતા (૨)
તોફાન જામ્યું છે દરિયા મોજાર
હોડી હલકારા મારતી…શામળા
ઉંચે છે આભ અને નીચે છે ધરતી (૨)
માન્યો છે એક મેં સાચો તું સારથી (૨)
જાણ્યો સઘળો આ જુઠો સંસાર
જીવું તારા આધારથી…શામળા૦
કાયાની હોડીનું કાચુ છે લાકડું (૨)
તું છે મદારી હું તારું માકડું (૨)
દોરી ભક્તિની ઝાલી કિરતાર
ઝુલુ તારા આધારથી…શામળા૦
તોફાની સાગરમાં નૈયાને તારજે (૨)
છેલ્લી અમારી અરજી સ્વીકારજે (૨)
રણછોડ દેજો દર્શન એકવાર
ઝુરું તારા વિયોગથી…શામળા