આભમાં ઊગેલ ચાંદલોને જીજીબાઈને આવ્યા બાળ
બાલુડાને માતા હિંચોળે
ઘણણણ ડુંગરા ડોલે
શિવાજીને નીંદરું નાવે
માતા જીજાબાઈ ઝૂલાવે
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત
માતાજીને મુખે જે દી’થી
ઉડી એની ઉંઘ તે દી’થી…શિવાજીને
પોઢજો રે મારા બાળ પોઢી લે જો પેટભરીને આજ
કાલે કાળા જુદ્ધ ખેલાશે
સૂવા ટાણું કયાંય ન રહેશે….શિવાજીને
ધાવજો રે મારા પેટ ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ
રેશે નહિ રણ ઘેલુડા
ખાવા મૂઠી ધાનની વેળા….શિવાજીને
પેરી ઓઢી લેજો પાતળાં રે પીળાં લાલ પીરોજી ચીર
કાયા તારી લોહીમાં નાશે
ઢાંકણ તે દી’ ઢાલનું થાશે….શિવાજીને
ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ
તે દી’ તારે હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની……શિવાજીને
લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડય
તે દી’ તો સિંદોરીયા થાપા
છાતી માથે ઝીલવા બાપા….શિવાજીને
આજ માતા ચોડે ચુમિયું રે બાળા ઝીલજો બેવડ ગાલ
તે દી’ તારા મોઢડા માથે
વાંધાર તોપ મંડાશે….શિવાજીને
આજ માતાજીની ગોદમાં રે તુને હૂંફ આવે આઠ પોર
તે દી’ કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે….શિવાજીને
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ
તે દી’ તારી વીર પથારી
પાથરશે વીશભુજાળી….શિવાજીને
આજ માતાજીને ખોળલે રે તારા માથડા ઝેલે જાય
તે દી’ તારે શીર ઓશિકાં
મેલાશે તીરબંધૂકા…શિવાજીને
સૂઈ લે જો મારા કેસરી રે તારી હિંદવાણ્યું જોવે વાટ
જાગી વે’લો આવ બાલુડા
માને હાથે ભેટ બંધાવા….શિવાજીને
જાગી વેલો આવજે વીરા
ટીલુ માના લોહીનું લેવા
શિવાજીને નીદરું ના’વે
માતા જીજાબાઈ ઝૂલાવે
ઘણણણ ડુંગરા ડોલે