પ્રાણિયા ! ભજી લેને કિરતાર, આ તો સ્વપું છે સંસાર.
ધન દોલત ને માલ ખજાનો, પુત્ર અને પરિવાર;
તે તો ત્યજી તમે જાશો એકલા, ખાશો જમનો માર રે.… પ્રાણિયા
ઊંચી મેડી ને અજબ ઝરુખા, ગોખ તણો નહીં પાર;
છત્રપતિ તો ચાલ્યા ગયા તેના, બાંધ્યા રહ્યા ઘરબાર રે… પ્રાણિયા
ઉપર ફૂલડાં ફરફરે ને હેઠે રાખ્યાં શ્રીફળ ચાર;
ઠીક કરી ઠાઠડીમાં ઘાલ્યો, પછી પૂંઠે પડે પોકાર રે… પ્રાણિયા
સેજ તળાઇ વિના સૂતો નહીં, ને કરતો હુન્નર હજાર,
ખોળી ખોળીને બાળશે રે, જેમ લોઢું ગાળે લૂહાર રે… પ્રાણિયા
સ્મશાનમાં જઇને ચેહ ખડકી, ઉપર કાષ્ઠનો ભાર;
અગ્નિ મૂકીને અળગો રહે, પછી આગે ઝરે અંગાર રે… પ્રાણિયા
સ્નાન કરવા સૌ ચાલિયાં મળી, સઘળાં નર ને નાર;
‘ભોજો’ ભક્ત કહે ચાર દહાડા રોઇ, વળતી મૂક્યો વિસાર રે… પ્રાણિયા૦