નથી રે રહેવાની તારી કાયા દેખાવડી ને
રુપના રખોપા નથી કામના.
દુનિયામાં રહેશે તારા ઉજળા કરમના સંભારણા.
માનવ-અવતારમાં તું તો જનમીયો ને
કરવાને માનવતાના કામ રે, આ સંસારમાં
હે.… એ રે ભૂલીને તું તો માયામાં મ્હાલતો ને
અમ્મર માને છે તારું સ્થાન, આ સંસારમાં.
જોબનનું જોર તારું ઝાઝું ના ચાલશે,
ચાર દિવસનો તું મહેમાન, આ સંસારમાં.
હે… કાળનાં તેડાં તો એવા અણધાર્યાં આવશે ને
સૂનાં થાશે તારાં ઘર ને બાર, આ સંસારમાં.
દુનિયામાં રહેશે તારા ઊજળા કરમના સંભારણા.
કંચન જેવી કાયા તારી રાખ થવાની ને
આખરનો એ જ છે અંજામ, આ સંસારમાં.
હે… સંતો કહે છે હાલો ભક્તોની સાથમાં ને
રખવાળા કરશે મારો શ્યામ, આ સંસારમાં.
દુનિયામાં રહેશે તારા ઉજળા કરમનાં સંભારણા.