વરસે ભલે વાદળી ને વાયુ ધીરો વાય
મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય
ઉપરથી શેષનાગ કરી રહ્યા છાંય…મથુરાથી…
શ્રાવણ માસની અંધારી રાતે
વસુદેવજીએ લાલ લીધા છે માથે
તાળા તૂટ્યા પહેરેગીર જોને જોલા ખાય…મથુરાથી…
યમુનાના નીર જેને ચઢીયા હીલોળે •
પ્રીતમ પદ સ્પર્શવાને પ્રેમ ભર્યા ડોલે
નીર ગાજે સિંહ જેવા, મન ડરી જાય..મથુરાથી…
ચરણો સ્પર્શીને નીર ઓછાં થયા છે
દીધો મારગ શ્યામ ગોકુળ ગયા છે
માતા જશોદાના મહેલે જાય…મથુરાથી…
જશોદાની સેજમાં સૂવડાવ્યા શ્યામને
વારી વારી નીરખું એવા અંતર અભિરામને
માયારુપી કન્યા લઇ પાછા જાય… મથુરાથી…
વરસે ભલે વાદળી ને વાયુ ધીરો વાય
મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય