કેમ ભુલાય નામ ભગવાનનું રે !
મને આનંદ થાય નામ બોલતાં રે,
મારે હૈયે હરખ ન માય… કેમ૦
જેણે મુજને સૃષ્ટિમાં મોકલ્યો રે,
વળી દીધો મનુષ્ય અવતાર… કેમ૦
ગર્ભમાંહી જેણે સંભાળિયો રે,
ભર્યું દૂધ માતાને સ્તન… કેમ૦
મને બુદ્ધિને બળ આપિયાં રે,
કીધો સૃષ્ટિમાંહી મને શ્રેષ્ઠ… કેમ૦
મારે માટે તો પુષ્પો ખિલાવિયાં રે,
કીધી વહેતી વર્ષાની ધાર… કેમ૦
ચંદ્ર, સૂર્યને જે ચમકાવતો રે,
ધરતો મુજને પ્રકાશની ભેટ… કેમ૦
મારે માટે પવન પ્રભુ મોકલે રે,
ધરતી પેટે ઊગાડે અશ… કેમ૦
મારા જીવનની દોરી જેના હાથમાં રે,
કરતો લોહી તણો અભિષેક… કેમ૦
ખાઇ પીને હું નિરાંતે ઊંઘતો રે,
મારુ ખાધુ જે પચાવે અન્ન… કેમ૦
સારી સૃષ્ટિને જે સંભાળતો રે,
કરે સેવા સૌની દિન રાત… કેમ૦
બદલામાં નથી કંઇ માંગતો રે,
મુખે ધરજો હરિનું નામ… કેમ૦
રામ કૃષ્ણ કે શિવ તમે બોલજો રે,
નામ કેરો મહિમા અપાર.. કેમ૦