જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે?
દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં,
કઢિયેલ દૂધ તે કોણ પીશે?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ લેશે?
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વહાશે?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે,
બૂડતાં બાંયડી કોણ સહાશે?