જેને આદિ નથી અંત નથી, મધ્ય નથી રે
શોધી શોધીને થાકી તોયે જડતો નથી રે
પ્રતિબિંબમાં કદીએ પકડાતો નથી રે…
શોધી શોધી…
કેવો ને કોણ કોના જેવો કહેવાય ના
ઉપમાઓ કોઈ જગે એને સોહાય ના
એના જેવો તો એજ, બીજો મળતો નથી રે
શોધી શોધી…
સાગર એ સાગર, ગગન એ ગગન છે.
એની મસ્તીમા સદા એ તો મગન છે.
તેમાં કોઈની જગે દિલ ધરતો નથી રે…
શોધી શોધી…
શૌર્ય અમાપ અને કીર્તિ અજોડ છે.
મહિમ્ અનંત અને વૈભવ અનંત છે.
યશ એથી મહાન બીજો હોતો નથી રે
શોધી શોધી…
તું છે યુવાનં તારો સર્જક પણ તું છે.
સૃષ્ટિ સકલ તણી તુજથી શરૂઆત છે.
પ્રભુ યૌવનથી દૂર કદી રહેતો નથી રે
શોધી શોધી…
તોડશે પરંપરા તું એનું ના દુઃખ છે.
ક્ષુદ્ર બની જીવે છે એજ મહા દુઃખ છે.
નવચેતનાથી દૂર પ્રભુ રહેતો નથી.
શોધી શોધી…
નાચે છે અન્ય તાલે મારો કોઈ તાલ નથી.
લાગે છે તારા જીવનમાં કંઈ માલ નથી.
મૃત જીવનમાં ઈશ કદી ખિલતો નથી રે
શોધી શોધી…
યુવતીનું અબળાના ભોગની ગુલામ છે.
મહિષાસુર મર્દિની મહિલા મહાન છે.
પ્રભુ મહિમાથી દૂર કદી વસતો નથી રે
શોધી શોધી…