હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને ॥ટેક॥
સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને ॥૧॥
મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભો જુએ તમાસો, તે કોડી નવ પામે જોને ॥૨॥
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને ॥૩॥
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
પ્રભુ ભજે તે પ્રગટ મળે છે, પ્રીતમનો મન મેલ જોને ॥૪॥