ભજનો લોડ થઈ રહ્યાં છે…
ભજનો લોડ થઈ રહ્યાં છે…
શ્રી ગુરુદેવના ચરણ રજથી મારૂ મન પવિત્ર કરી હવે હું શ્રી ભગવાન રામના યશનું વર્ણન કરૂં છું. જે (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) ચારે પ્રકારનાં ફળ આપનાર છે.
હું મારી જાતને બુદ્ધિહિન ગણીને શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું. હે પ્રભુ આપ મને બુદ્ધિ, બળ તથા વિદ્યા આપો અને મારા વિકારોનો નાશ કરો.
જ્ઞાન અને ગુણોનાં સાગર શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો ! ત્રણેય લોકમાં કીર્તિમાન મારૂતિ, આપનો જય હો !
શ્રી રામજીના દૂત આપમાં અનંત શક્તિ છે. આપનું અંજનિ પુત્ર અને પવનપુત્ર નામ જગ પ્રસિદ્ધ છે.
આપ મહાવીર તથા મહાપરાક્રમી છો. આપનું શરીર વજ્ર સમાન છે. આપ કુબુદ્ધિનો નાશ કરનારા છો, અને સુબુદ્ધિના સહાયક છો.
હે કપિ શ્રેષ્ઠ, આપના દેહનો વર્ણ કંચન જેવો છે. કાનમાં કુંડળ છે અને મસ્તક પર વાકડીયા વાળ છે. આપનું આ સ્વરૂપ અતિ સોહમણું છે.
આપના હાથમાં ગદા અને ધ્વજા છે, ખભા પર જનોઇ શોભાયમાન છે.
કેસરીનંદન આપ શંકરના અવતાર છો, આપનું મહાપ્રતાપી અને તેજસ્વી સ્વરૂપ સમગ્ર વિશ્વમાં પૂજનીય છે.
હે કપિ શ્રેષ્ઠ આપ વિદ્યાવાન, ગુણવાન અને ચતુર છો, સદા રામ ભગવાનનું કાર્ય કરવા આતુર રહો છો.
પ્રભુ રામજીનું ચરિત્ર સાંભળવામાં આપને ઘણી આસક્તિ છે. શ્રીરામ, શ્રી લક્ષ્મણ અને સીતામૈયા આપના હ્રદયમાં કાયમ નિવાસ કરે છે.
સીતામૈયાને સૂક્ષ્મ રૂપ ધારણ કરી બતાવ્યું અને વિકરાળ રૂપ ધરી લંકાને બાળી હતી.
મહાભયંકર રૂપ ધારણ કરી રાક્ષસોનો સંહાર કર્યો અને શ્રીરામજીના સર્વ કાર્ય સિદ્ધ કરવામાં સહયોગ આપ્યો હતો.
સંજીવની બૂટ્ટી લાવી શ્રી લક્ષ્મણજીને જીવત્દાન આપ્યું, તેથી અતિ હર્ષિત થઈ પ્રેમથી શ્રીરામજીએ આપને છાતીએ લગાવ્યા હતા.
ભગવાન શ્રીરામે આપની ઘણી પ્રશંસા કરીને કહ્યું કે, ભરત જેટલો જ તું મારો પ્રિય ભાઈ છે.
સહસ્ત્ર મુખવાળા શેષનાગ આપના યશગાન ગાય છે, એમ કહેતા પ્રેમથી ભગવાન શ્રીરામે આપને ગળે લગાડ્યા.
સનકાદિક ઋષિ, બ્રહ્મા, નારદ, સરસ્વતી, શેષનાગ — આ સૌ આપની કીર્તિનું યોગ્ય વર્ણન કરી શકતા નથી.
યમરાજ, કુબેર, દિગપાલ જેવા દેવતા પણ આપનો મહિમા પૂર્ણ રૂપે વર્ણન કરી શકતા નથી, તો પૃથ્વી પરના કવિ અને વિદ્વાનો કઈ રીતે કહી શકે ?
આપે સુગ્રીવજીને સહાય કરી ભગવાન શ્રીરામ સાથે તેમનો મેળાપ કરાવ્યો અને એમને રાજા બનાવ્યા.
આપનો મંત્ર વિભીષણે સ્વીકાર્યો અને તે લંકાનો રાજા થયો, આ વાત સમસ્ત વિશ્વ જાણે છે.
હજારો યોજન દૂર સૂર્યને મધુર ફળ માનીને આપ ગળી ગયા હતા.
શ્રીરામની વીંટી મોઢામાં રાખી આપ વિશાળ સમુદ્રને પાર કરી ગયા, એમાં કાંઈ ખાસ આશ્ચર્ય નથી.
હે કેસરી નંદન ! સંસારમાં જે કઠિન કાર્ય છે તે આપની કૃપાથી સરળ બની જાય છે.
આપ શ્રીરામના દ્વારપાળ છો, આપની આજ્ઞા વિના કોઈ અંદર પ્રવેશ કરી શકતો નથી.
આપની શરણ જે કોઈ આવે છે એ બધા આનંદ-સુખ પ્રાપ્ત કરે છે. તમે અમારા રક્ષક છો, તેથી અમને કોઈ જ ડર નથી.
હે અંજની પુત્ર ! આપ જ આપનું તેજ સહન કરી શકો છો. આપના હુંકારથી ત્રણેય લોક કાંપવા લાગે છે.
ભક્તજન જ્યારે આપના નામનું રટન કરે છે, ત્યારે ભૂત-પ્રેત એમની પાસે આવતા નથી.
હે કેશરી નંદન ! આપનું નામ સતત જપનારના બધા રોગો દૂર થઈ જાય છે અને તેની બધી પીડા દૂર થઈ જાય છે.
હે અંજની પુત્ર ! જે ભક્ત મન, વાણી અને કર્મથી એક ચિત્તે આપનું ધ્યાન કરે છે, એને આપ બધી વિપત્તિથી બચાવો છો.
સર્વોપરી રાજા શ્રીરામ એક શ્રેષ્ઠ તપસ્વી રાજા છે, તેમના કાર્ય સફળ કરવામાં આપે ઘણું યોગદાન આપ્યું છે.
હે કેશરી નંદન ! આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે, તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે.
આપનો પ્રતાપ ચારે યુગમાં પ્રસિદ્ધ છે. વિશ્વમાં આપની કીર્તિ, યશ પ્રકાશમાન છે.
સાધુ, સંતના આપ રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રીરામને અતિ પ્રિય છો.
સીતામૈયાએ આપને વરદાન આપ્યું છે કે આપ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ ચાહો એને પ્રદાન કરી શકો.
હે બજરંગ બલી ! 'શ્રીરામ' નામ રૂપી રસાયણ આપની પાસે છે. આપ સદાય શ્રીરામની સેવામાં તત્પર રહો છો.
આપનું ભજન કરનારને શ્રીરામનું દર્શન થાય છે. અને તેના જન્મ જન્માંતરના દુઃખો કાયમ માટે નષ્ટ થઈ જાય છે.
તે અંતકાળે સાકેત ધામમાં જાય છે. કદાચ મૃત્યુ લોકમાં જન્મે તો તેને શ્રી હરિના ભક્ત તરીકે પ્રસિદ્ધિ મળે છે.
જે ભક્ત અન્ય દેવતાઓનું હ્રદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજીની સેવા કરે, તો તે સર્વ સુખ સંપન્ન થાય છે.
અતિ બળવાન વીર બજરંગ બલીનું જે સ્મરણ કરે છે, તેના બધા સંકટો દૂર થાય છે.
શ્રી હનુમાનજી આપનો જય જયકાર હો, આપ મારા પરમ કૃપાળુ ગુરૂ દેવની જેમ કૃપા કરો.
જે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો સો વખત પાઠ કરશે, તે સર્વ બંધનમાંથી મુક્તિ પામશે અને પરમ સુખ પ્રાપ્ત કરશે.
જે ભક્ત 'હનુમાન ચાલીસા'નો નિત્ય પાઠ કરશે, તેને ચોક્કસ સફળતા મળશે. આના સાક્ષાત ભગવાન શંકર સાક્ષી છે.
સંત શ્રી તુલસીદાસ કહે છે કે, 'સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. હે નાથ, આપ મારા હ્રદયમાં નિત્ય બિરાજો.'
હે પવન પુત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા, આપ મંગળ મૂર્તિ રૂપ છો. આપ શ્રીરામ, લક્ષ્મણ અને સીતા મૈયા સહિત અમારા હ્રદયમાં નિત્ય બિરાજો.