હંસા રે રાજા રહી જાવ આજની રાત,
હે મારે કરવી છે મનડાની વાત-હંસા રે૦
પહેલો રે વિસામો હંસા ઘરને ઉંબરીએ,
બીજો વિસામો ઝાંપા બ્હાર-હંસા રે૦
ત્રીજો રે વિસામો હંસા ગામને ગોદરિયો,
ચોથો વિસામો સ્મશાન-હંસા રે૦
ચાર ચાર જણા હંસા ઊંચકીને ચાલ્યા ભાઇ,
પાંચમો કરે છે પોકાર-હંસા રે૦
ગાડું ભરીને સૂકાં લાકડાં રે લીધાં ભાઇ,
કોરી હાડલીમાં લીધા અંગાર-હંસા રે૦
સ્મશાન જઇને હંસા ચેહ રે ખડકી,
જમણે અંગૂઠે મેલી આગ-હંસા રે૦
મા અને માસી એ બેઉ બેનડી,
ઝાંપલા સુધી એનો સાથ-હંસા રે૦
ઘરની સ્ત્રીઓ તો ખૂણે જઇ બેઠી ભાઇ,
ખોળિયાની થઇ ગઇ છે રાખ-હંસા રે૦