ધરતી ઉપર ધપતો જા, ગીત ગગનના ગા !
ભક્તિ-૨સથી ભીંજાઇને, ભીનો ભીનો થા !
ભગવદ્કાર્યો છવાઈ જા તું, દૈવી દિલનો બાગ બનીને !
વિકૃતિનો વિનાશ કરવા, જાગ હવે તું આગ બનીને !
નાનો તોયે અંશ ઈશનો, એ વિસરતો ના !.. ધરતી
જગ પહોંચ્યું છે વિનાશ આરે, સમય કહે છે જાગીશ ક્યારે ?
ભવભવથી ભટકે અંધકારે, દીપક થઇ તું જલીશ ક્યારે ?
લાખો જીવન-નાવને કાજે, દીવાદાંડી થા !.. ધરતી
વારસ વેદ તણો તું સાચો; તોયે કાં નિસ્તેજ જણાતો ?
જગદગુરુ યોગેશ્વર સંગે, તારે ખૂબ નજીકનો નાતો
લક્ષ્ય બનાવી પ્રભુકાર્યો, અરજુન અનુગામી થા !.. ધરતી