જી રે બાપજી ભજન વિના મારી ભૂખ ન ભાંગે હોજી,
સ્મરણ વિના મારી તલપ ન જાય,
અવર દેવને હું નહિ જાચું રે હોજી,
કૃપા કરોને રામદે દયાળ, અજમલ ઘરે અવતાર ધર્યો હોજી.
જી રે બાપજી આદજુગના અમરફળ આપ હોજી.
ભવતારણ રામો દીનદયાળ, દુઃખ દારિદ્ર ટાળી સુખ દેજો રે હોજી,
સેવક તણા રામો સદા રખવાળ,
અજમલ ઘેર અવતાર ધર્યો હોજી.
જી રે બાપજી મૈં કૂડા મેરા સતગુરુ સાચા હોજી,
જનમોજનમના કાપે જાળ, બની ઠની ગુરુ વાટે ને ઘાટે રે હોજી,
અજમલ ઘેર અવતાર ધર્યો હેજી.
જી રે બાપજી પાંખ વિના પંખી કેમ ઊડશે જી,
જળ વિના માછિયાના કોણ હેવાલ,
રાજ વિનાની કોણ ગતિ મેરી હોજી,
લખપતિ રામો સદા રખવાળ,
અજમલ ઘેર અવતાર ધર્યો હોજી.
જી રે બાપજી મૈં ગોરીને મારાજ મળિયા હોજી,
મળિયા રે માલાની જારી,
હરિ ચરણે 'ભાઠી હરજી' બોલ્યા હોજી,
રામદે પીર મને પડછો દેખાડ,
અજમલ ઘેર અવતાર ધર્યો હોજી.