આંબો અખંડ ભુવનમાં ઊતર્યો,
વજભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપીઓ.
વાસુદેવે તે બીજ વાવિયું,
હુઓ દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી હૈ આંબો રોપીઓ.
આંબે જશોદાજીએ જળ સિંચિયું,
નંદ ગોપ આંબાના રખવાળા, સખી રે આંબો રોપીઓ.
બ્રહ્માજીએ તે ચાર - પત્ર લખ્યા,
મુનિ નારદે કીધી છે જાણ, સખી રે આંબો રોપીઓ.
વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યાં,
તેનાં નવખંડમાં છે નામ, સખી રે આંબો રોપીઓ.
આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો,
એને સેવે છે વજનાર, સખી ૨ આંબો રોપીઓ.
દ્વાદશ સ્કંધ આંબાનાં થડ થયાં,
ત્રણ સો પાંત્રીસ અધ્યાય, સખી ૨ આંબો રોપીઓ.
અઢાર હજાર શ્લોકના એ બે તીર,
પોણો સો લક્ષ અક્ષર આંબે પાન, સખી રે આંબો રોપીઓ.
કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીઓ.
એની ચૌદ ભુવનમાં છે છાંય, સખી રે આંબો રોપીઓ.
તે ફળ શુકદેવજી વેડી લઈ ગયા, પરીક્ષીત બેઠા છે ગંગા તીર, સખી રે આંબો રોપીઓ.
તે રસ રેડયો પરીક્ષીતે શ્રવણમાં,
ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબો રોપીઓ.
સાત દિવસમાં શ્રીકૃષ્ણ પદ મળ્યું,
જયશ્રી પુરુષોત્તમ અભિરામ, સખી રે આંબો રોપીઓ.
કળિયુગમાં પુષ્ટિમાર્ગ પરવાર્યો,
ધન્ય ધન્ય તૈલંગ કુળ અવતાર, સખી રે આંબો રોપીઓ.
આંબો ગાય શીખે ને સાંભળે,
તેનો ચરણ કમળમાં વાસ, સખી રે આંબો રોપીઓ.
જાઉં શ્રી વલ્લભ કુળને વારણે,
બલિહારી ગયા માધવદાસ, સખી રે આંબો રોપીઓ.